સુરત: હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે રોજગારીની શોધમાં રશિયા ગયેલા સુરતના 39 વર્ષીય રમણિક સખવાળા છેલ્લા ચાર મહિનાથી લાપતા હોવાનો મામલો સામે આવ્યો છે. મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રમણિકભાઈ રશિયન સેનામાં સપોર્ટ સ્ટાફ તરીકે જોડાયા બાદ પરિવારના સંપર્કથી દૂર થઈ ગયા છે. 24 જૂન બાદ તેમની સાથે કોઈ વાતચીત થઈ નથી. ચિંતિત પરિવારે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને ભારતીય તથા રશિયન દૂતાવાસ પાસે તેમની ભાળ મેળવવા મદદની માગ કરી છે.
હીરા ઉદ્યોગમાં મંદીથી રોજગારી માટે રશિયા ગયા
મૂળ અમરેલીના રમણિક સખવાળા વર્ષોથી સુરતના કતારગામ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. જોકે, હીરા ઉદ્યોગમાં મંદી અને રોજગારીની અનિશ્ચિતતાને કારણે તેમણે વિદેશમાં કામ શોધવાનો નિર્ણય કર્યો હતો.
પરિવારના જણાવ્યા અનુસાર, રમણિકભાઈ વિઝિટર વિઝા પર રશિયા ગયા હતા. શરૂઆતમાં તેમણે રોજિંદા ખર્ચ માટે છૂટક કામ કર્યું હતું. તેઓ એપ્રિલ મહિનામાં ભારત પરત ફરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ યોગ્ય રોજગારી ન મળતાં અને આર્થિક મુશ્કેલીઓને કારણે રશિયામાં રોકાણ લંબાવ્યું હતું.
આ દરમિયાન તેમને રશિયન સેનામાં સપોર્ટ સ્ટાફ તરીકે કામ કરવાની ઓફર મળી હતી. પરિવારના જણાવ્યા મુજબ, તેમણે જૂન મહિનામાં આ ઓફર સ્વીકારી હતી.
પત્ની સાથે છેલ્લી વાતચીતમાં કહ્યું હતું, 'બોર્ડર તરફ જઈ રહ્યો છું'
રમણિકભાઈની પત્ની શીતલબેનના જણાવ્યા અનુસાર, 24 જૂને તેમની પતિ સાથે છેલ્લી વખત ફોન પર વાત થઈ હતી.
આ દરમિયાન રમણિકભાઈએ જણાવ્યું હતું કે તેઓ બોર્ડર તરફ જઈ રહ્યા છે અને તેમની તાલીમ શરૂ થવાની છે. નેટવર્કની સમસ્યાને કારણે આગામી 15 દિવસ સુધી સંપર્ક નહીં થઈ શકે તેવી જાણ પણ તેમણે પરિવારને કરી હતી.
પત્નીએ યુદ્ધમાં જવાનું છે કે કેમ તે અંગે પૂછતાં તેમણે પોતાનું કામ માત્ર ખાદ્યસામગ્રી પહોંચાડવાનું હોવાનું જણાવ્યું હતું.
જોકે, સુરક્ષાની તાલીમના ભાગરૂપે તેમને બંદૂક ચલાવતાં શીખવવામાં આવ્યું હોવાનું પણ તેમણે પત્નીને કહ્યું હતું.
શ્રીલંકન ટ્રેનરનો નંબર આપ્યો, ત્યારબાદ સંપર્ક બંધ
પરિવારના જણાવ્યા અનુસાર, રમણિકભાઈએ છેલ્લી વાતચીત દરમિયાન અર્જુન નામના શ્રીલંકન ટ્રેનરનો મોબાઇલ નંબર આપ્યો હતો.
જો તેમનો સંપર્ક ન થાય તો અર્જુન પાસેથી માહિતી મેળવવા જણાવ્યું હતું. તેમણે પોતાનું બેન્ક કાર્ડ પણ ટ્રેનર પાસે હોવાનું પરિવારને કહ્યું હતું.
શરૂઆતના દોઢથી બે મહિના સુધી અર્જુન પરિવાર સાથે વાતચીત કરતો હતો અને રમણિકભાઈ અંગે સામાન્ય માહિતી આપતો હતો.
જોકે, ત્યારબાદ તેણે સ્પષ્ટ જવાબ આપવાનું બંધ કર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે. અંતે પોતાની બદલી થઈ ગઈ હોવાનું જણાવી તેણે પણ સંપર્ક ટાળ્યો હતો.
હાલ રમણિકભાઈનો મોબાઇલ બંધ છે અને વોટ્સએપ પર પણ તેમનો સંપર્ક થઈ શકતો નથી.
ચાર મહિનાથી ભાળ નહીં મળતાં પરિવાર ચિંતામાં
રમણિકભાઈના ભાઈ મહેશભાઈ સખવાળાના જણાવ્યા અનુસાર, તેમના ભાઈ આશરે દોઢ વર્ષથી રશિયામાં હતા.
જૂન મહિનામાં રશિયન સેનામાં જોડાયા બાદ શરૂઆતના દિવસોમાં પરિવાર સાથે સંપર્ક રહ્યો હતો. જોકે, 24 જૂન પછી તેમની સાથે કોઈ વાતચીત થઈ નથી.
છેલ્લા ચાર મહિનાથી રમણિકભાઈ ક્યાં છે, તેમની સ્થિતિ કેવી છે અને તેઓ સુરક્ષિત છે કે નહીં તે અંગે પરિવારને કોઈ ચોક્કસ માહિતી મળી નથી.
PMOથી લઈને મોસ્કોની ભારતીય એમ્બેસી સુધી રજૂઆત
રમણિકભાઈની ભાળ મેળવવા પરિવારે વિવિધ સરકારી વિભાગો અને દૂતાવાસનો સંપર્ક કર્યો છે.
પરિવારના જણાવ્યા અનુસાર, ભારતમાં આવેલી રશિયન એમ્બેસી, મોસ્કોમાં આવેલી ભારતીય એમ્બેસી, વડાપ્રધાન કાર્યાલય, વિદેશ મંત્રાલય અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે.
પરિવારનું કહેવું છે કે તપાસ ચાલી રહી હોવાના જવાબો મળ્યા છે, પરંતુ રમણિકભાઈની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી.
પરિવાર હવે સરકાર પાસે તેમની શોધખોળ ઝડપી બનાવી સુરક્ષિત રીતે ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવાની માગ કરી રહ્યો છે.
પત્ની સિલાઈ કામ કરીને ચલાવે છે ઘર, 16 વર્ષનો પુત્ર પિતાની રાહમાં
પરિવારનો મુખ્ય કમાઉ સભ્ય લાપતા થતાં સખવાળા પરિવાર આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.
રમણિકભાઈના વૃદ્ધ પિતા કાળુભાઈ ખેતીકામ સાથે સંકળાયેલા છે. બીજી તરફ, પત્ની શીતલબેને પરિવારનો ખર્ચ ચલાવવા અને 16 વર્ષના પુત્ર હેમિલના અભ્યાસની જવાબદારી નિભાવવા સિલાઈ કામ શરૂ કર્યું છે.
પુત્ર હેમિલ પણ પોતાના પિતાના ઘરે પરત ફરવાની રાહ જોઈ રહ્યો છે.
પરિવાર પાસે પાસપોર્ટ અને ભરતી સંબંધિત દસ્તાવેજો
પરિવાર પાસે રમણિકભાઈના પાસપોર્ટની વિગતો અને રશિયન સેનાની ભરતી સંબંધિત કેટલાક પોસ્ટર ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
આ દસ્તાવેજોના આધારે પરિવાર સરકારી તંત્ર અને દૂતાવાસ મારફતે તેમની ભાળ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
રમણિકભાઈ હાલ કયા સ્થળે છે અને તેમની સ્થિતિ કેવી છે તે અંગે સત્તાવાર પુષ્ટિ મળી નથી. પરિવારને આશા છે કે સરકારના પ્રયાસોથી ટૂંક સમયમાં તેમની માહિતી મળશે અને તેઓ સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફરશે.






